ગુજરાતમાં કોઇ નવા કરવેરા વગરનું રૂ.3.70 લાખ કરોડનું બજેટ
ગુજરાતમાં કોઇ નવા કરવેરા વગરનું રૂ.3.70 લાખ કરોડનું બજેટ
Blog Article
ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ગુરુવાર, 20 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્યનું રૂ.3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં રૂ.148 કરોડની કર રાહતો આપવામાં આવી હતી. વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે દેસાઈએ રજૂ કરેલા બજેટમાં કોઈ નવા કરની દરખાસ્ત કરવામાં આવી નથી.
દેસાઈએ ગૃહને માહિતી આપી હતી કે 2025-26 માટે રૂ.3,70,250 કરોડની અંદાજપત્રિય જોગવાઈ અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં રૂ.37,785 કરોડ અથવા 11.3 ટકાનો વધારો દર્શાવે છે.
રાજ્ય સરકારે મોર્ગેજ ડીડ પર સ્ટેમ્પ ડ્યુટી અને ઇલેક્ટ્રિક વાહનો પરના મોટર વ્હીકલ ટેક્સમાં ઘટાડા સ્વરૂપે રૂ.148 કરોડની કર રાહતની દરખાસ્ત કરી હતી.
તેમના અંદાજપત્રીય સંબોધનમાં નાણાપ્રધાને ઘણી નવી યોજનાઓ અને પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે બજેટ પાંચ સ્તંભો પર આધારિત છે, જેમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, હરિયાળી વૃદ્ધિ અને આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસનો સમાવેશ થાય છે. 2047 સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત 2047’ માટેનો રોડમેપ તૈયાર કર્યો છે. આ વિઝનને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવા માટે, અમે સુઆયોજિત પ્રોજેક્ટ્સ અને લોક કલ્યાણ યોજનાઓ ઘડવા અને અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ છીએ. આ માટે હું આગામી પાંચ વર્ષમાં રૂ.50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ બનાવવાનો પ્રસ્તાવ મૂકું છું. હું આ બજેટમાં રૂ.5,000 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ મૂકું છું.
ગુજરાતમાં બે ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે. તેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સાથે જોડતો ‘નમો શક્તિ એક્સપ્રેસવે’ તથા અમદાવાદથી રાજકોટ વચ્ચે ‘સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે’નો સમાવેશ થાય છે. તેમાં દ્વારકા, સોમનાથ અને પોરબંદર સહિતના યાત્રાધામો આવરી લેવાશે.
બજેટમાં રાજ્ય સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે તે વહીવટી પ્રક્રિયાઓમાં જરૂરી સુધારા લાવવા અને નવી તકનીકોને એકીકૃત કરવા માટે ગુજરાત સુધારા પંચની સ્થાપના કરશે.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતને વિકસિત અને સમૃદ્ધ રાજ્યમાં પરિવર્તિત કરવા માટે સુરત ઇકોનોમિક રિજન સહિત છ ગ્રોથ હબ વિકસાવવામાં આવશે. આ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રિજનલ આર્થિક યોજના તૈયાર કરવામાં આવી રહી છે, જેનાથી રાજ્યોના સર્વગ્રાહી અને સંતુલિત વિકાસ શક્ય બને. નાણાપ્રધાને ‘ગરવી ગુજરાત હાઇ-સ્પીડ કોરિડોર’ પ્રોજેક્ટ હેઠળ 1,367 કિલોમીટરના 12 નવા હાઇ-સ્પીડ કોરિડોર વિકસાવવાની જાહેરાત કરી હતી.
દેસાઈએ જણાવ્યું હતું કે સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદરના એરપોર્ટનું વિસ્તરણ હાથ ધરવામાં આવશે, જ્યારે દાહોદમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવશે.